અંકલેશ્વર GIDCમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે જીઆઇડીસીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી પુન: સમીક્ષાની માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર GIDC વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી અરજી કરી પ્લોટની રાહ જોઈ રહેલા, પરંતુ હજુ સુધી વંચિત રહેલા ઉદ્યોગકારોએ હવે GIDC તંત્ર સામે મોરચો માંડ્યો છે. ઉદ્યોગકારોએ GIDC સમક્ષ આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને જૂની અરજીઓનો ન્યાયપૂર્ણ પુનઃવિચાર કરવાની માંગ કરી હતી.ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, વર્ષ 2018 અને તે પહેલાં રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર અરજદારો આજે પણ પ્લોટથી વંચિત છે. વર્ષોથી રાહ જોતા આવા અરજદારોને ન્યાય મળે તે માટે જૂની અરજીઓનો માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.આ મામલે તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2018માં રેસિડેન્શિયલ પ્લોટ માટે કુલ 1,518 અરજીઓ મળી હતી, જેમાંથી 1,344 અરજીઓ અમાન્ય ઠેરવાઈ હતી અને માત્ર 174 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. બીજી તરફ, GIDC પાસે 828 પ્લોટ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિને લઈને મૂળ અરજદારોમાં અસંતોષ ફેલાયો છે.આ ઉપરાંત, GIDC કર્મચારીઓને થયેલી પ્લોટ ફાળવણીની પાત્રતા અને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે. સાથે જ પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવાની માંગ કરી છે.
આ બાબતે જીઆઇડીસી કમિટીના વાઇઝ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે બાકી રહી ગયેલી તમામ અરજીઓ સમાવેશ સાથે નવેથી પ્રક્રિયા કરવાનું જીઆઇડીસી દ્વારા કહેવામાં આવ્યું છે.આથી તમામ લોકોને આનો લાભ મળી શકશે
