બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને ચોકલેટના દિવ્ય અન્નકૂટ સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વિવિધ ચોકલેટનો અન્નકૂટ ધરાવાયો હતો. આ સાથે જ દાદાને અત્યંત આકર્ષક, દિવ્ય અને વિહંગમ ચોકલેટ અન્નકૂટ તથા મોરપીંછની થીમ આધારિત વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનની બન્ને તરફ ચોકલેટથી બનેલા દિવ્ય મોર અને પાંખોની મનોરમ કૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. વહેલી સવારે મંગળા આરતી ત્યારબાદ શણગાર આરતી અને અન્નકૂટ સહિત દાદાની ષોડપશોચાર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.Thanks & Regards,
