ભરૂચના જંબુસર આમોદ પંથક માંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી છે
ભરૂચ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અપૂરતા વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના પગલે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના હિતમાં નહેરમાં પાણી છોડવા રજૂઆત કરી છે.ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાસ કરીને જંબુસર અને આમોદ તાલુકાને આવરી લેતી નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. વરસાદની અછત વચ્ચે પાકને પૂરતું પાણી મળી રહે તે માટે નહેર મારફતે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી બન્યું છે.વરસાદ ખેંચાતા ખેડૂતો ઉભા પાકને બચાવવા માટે ચિંતિત બન્યા છે. જો સમયસર સિંચાઈનું પાણી ન મળે તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે. ત્યારે ખેડૂતોના હિતમાં નર્મદા કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
