ભરૂચમાં અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મસેના સહિતના સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મસેના, ભરૂચ જિલ્લા તેમજ સશક્ત ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, મુકતાનંદ સ્વામી,સોમદાસ બાપુ,અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ દેવાચાર્ય મહારાજ, પ્રદેશ અધ્યક્ષ દિલીપદાસજી મહારાજ,દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા નદીના પવિત્ર જળ સાથે સમરસ કળશ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. કાવડયાત્રીઓ પાવન સલીલા માં નર્મદાના જળથી જંબુસરના કંબોઈ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ પર અભિષેક કરાશે.હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ  પ્રયાગરાજસિંહ આર. વાંસિયા તથા ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાયેલી આ યાત્રા દ્વારા સામાજિક સમરસતા, ધાર્મિક એકતા અને ભક્તિભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો.