વલસાડમાં કાંઠા વિસ્તારના લોકોએ રસ્તા અને સુરક્ષા દીવાલની માંગ સાથે ભાજપ કાર્યાલય ખાતે ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વલસાડ જીલ્લામાં ભાગલ, દાંતી, કકવાડી, માલવણ, ધરાસણા સહિતના કાંઠા વિસ્તારના ગ્રામજનોએ ભાજપ કાર્યાલય ખાતે રસ્તા અને સુરક્ષા દીવાલની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે કાંઠા વિસ્તારમાં પાકા રસ્તાઓ બનાવવા અને દરિયાઈ ધોવાણ અટકાવવા માટે સુરક્ષા દીવાલનું નિર્માણ કરવાની માંગ સાથે કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં આ પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષાના પ્રશ્નોનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેના કારણે ગ્રામજનોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ મામલે આગામી દિવસોમાં ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ અને ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવશે. તો બીજી તરફ, વલસાડ જિલ્લા પ્રમુખ દ્વારા ગ્રામજનોની રજુઆતને ઉપર સુધી લઈ જવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.