ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. રાજ્ય તેમજ પરપ્રાંતોમાં પોલીસના સતત દરોડા દરમ્યાન લઠ્ઠાકાંડના નેટવર્ક સાથે જોડાયેલા વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન મધ્યપ્રદેશમાંથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 મળીને કુલ 6 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અગાઉ દિલ્હીથી ઝડપાયેલા 3 આરોપીઓ તેમજ SMC દ્વારા પકડાયેલા આ 6 નવા શખ્સો સહિત કુલ 9 આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને તમામ 9 આરોપીઓના આગામી 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પૂછપરછ દરમિયાન દારૂના જથ્થાના સ્ત્રોત અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે. આ લઠ્ઠાકાંડમાં શરૂઆતમાં કુલ 21 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે 15 આરોપીઓની ધરપકડ કરાયા બાદ સિન્ડિકેટ સાથે જોડાયેલા વધુ 17 શખ્સોને પણ પોલીસ સકંજામાં લઈ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝેરી કેમિકલ યુક્ત દારૂના ગેરકાયદે વેપાર પાછળ રહેલા અન્ય મોટા માથાઓ અને આર્થિક મદદગારો સુધી પહોંચવા માટે પોલીસ તપાસ તેજ ગતિએ આગળ ધપી રહી છે.
