જીવનના દરેક વળાંક પર મન જ્યારે મૂંઝાય,કૃષ્ણના અમૃત વચનોથી માર્ગ તુરંત સર્જાય.

“નથી આ માત્ર ઉપદેશ કે શાસ્ત્રનો સાર,

દિલથી સ્વીકારો તો જીવન બને ખુશ્બુદાર”.

શ્રીકૃષ્ણનું જીવન અને ભગવદ ગીતા ઉપદેશ એ કેવળ ધાર્મિક શાસ્ત્ર નથી, પરંતુ સંસારના કુરુક્ષેત્રમાં દિશાહિન થયેલા માનવ મન માટે એક પરમ માર્ગદર્શક દીવો છે. જ્યારે મોહ, ભય અને વિષાદ આપણને ઘેરી વળે છે, ત્યારે કૃષ્ણાના અમૃતમય વિચારો આપણને પુનઃ બેઠા થવાની અસીમ શક્તિ પૂરી પાડે છે. ગીતાનો મૂળ સંદેશ જીવન જીવવાની એક અદ્ભુત કળા છે, જે મનુષ્યને આંતરિક શાંતિ અને નિર્ભયતા તરફ દોરી જાય છે.

અપાર તણાવથી ભરેલા આ આધુનિક યુગમાં આપણું સૌથી મોટું દુઃખ પરિણામની અપેક્ષામાં છુપાયેલું હોય છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને નિષ્કામ કર્મનો મહાન સિદ્ધાંત આપતા જણાવે છે:

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥

આ શ્લોકનો ગૂઢ અર્થ એ છે કે મનુષ્યનો અધિકાર માત્ર સત્ય અને નિષ્ઠાપૂર્વક કર્મ કરવા પર જ છે, તેના ફળ પર ક્યારેય નહીં. જ્યારે આપણે ભવિષ્યના ડર કે પરિણામની ચિંતા છોડીને પોતાના કર્મને જ ઈશ્વરીય પૂજા માની સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે મન અપેક્ષાઓના ભારે બોજમાંથી મુક્ત થઈ સાચી શાંતિનો અનુભવ કરે છે.

જીવનનો બીજો સૌથી મોટો સ્વીકાર પરિવર્તન છે, કારણ કે આ સંસારમાં કશું જ કાયમી નથી—ન તો સુખ, ન તો દુઃખ. પરિવર્તનની આ સનાતન પ્રક્રિયા અને આત્માની અમરતાને સમજાવતા કાન્હાજી કહે છે:

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।

तथा शरीराणि विहाय जीर्ण्यान्यन्यानि संयाति नवानि देही॥

જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા પણ જૂના શરીરને છોડી નવું શરીર ધારણ કરે છે. ગઈકાલે જે કોઈ બીજાનું હતું, આજે આપણું છે અને આવતીકાલે કોઈ ત્રીજાનું હશે; આ પરિવર્તનને સહજતાથી સ્વીકારી લેવાથી અહંકાર, શોક અને ડર નષ્ટ થાય છે.

જ્યારે સંસારના તમામ દરવાજા બંધ થઈ જાય અને કોઈ રસ્તો ન દેખાય, ત્યારે કૃષ્ણ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ જ આપણો સાચો આશરો બને છે:

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते।

तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्॥

જે ભક્ત અનન્ય ભાવથી ઈશ્વરનું ચિંતન કરી પોતાનો તમામ ભાર પરમાત્મા પર છોડી દે છે, તેના રક્ષણ અને જરૂરિયાતોની સંપૂર્ણ જવાબદારી શ્રીકૃષ્ણ સ્વયં ઉપાડી લે છે. અશાંત મનને જીતીને સંતોષ મેળવવો, પરિસ્થિતિઓને સકારાત્મકતાથી સ્વીકારવી અને હૃદયમાં પ્રેમ વહેંચતા રહેવું—એ જ કૃષ્ણનો સનાતન સંદેશ છે.