ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે ચૂંટણી યોજાશે જેમાં બે બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ભરૂચના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. કુલ 16 ઝોનમાંથી બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. પંડવાઈની પાંડુકેશ્વર વિદ્યાલય ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો 14 ઝોનમાં બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. હવે કદરામા ઝોન અને અનુસૂચિત જાતિ બેઠક માટે મતદાન યોજાશે જેમાં 4 ઉમેદવારો મેદાને છે.ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં તંત્રના આશરે 70 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડીવાયએસપી સહિત 50થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.બંને બેઠકો માટે યોજાનારા મતદાનમાં આશરે 6,500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
