સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સહિત દૈનિક મુસાફરોના વિવિધ પ્રશ્નોને લઈને ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’  દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ એક મહત્ત્વની રજૂઆત કરવામાં આવી છે.

સુરતના ઉતરાણ રેલવે સ્ટેશનની આસપાસ મોટા પાયે ટેક્સટાઈલ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) દ્વારા ઉતરાણ રેલવે સ્ટેશનને આધુનિક બનાવી ત્યાં ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરત મુખ્ય સ્ટેશન પર વધી રહેલું મુસાફરોનું ભારણ ઘટાડવા માટે વરાછા, મોટા વરાછા, કીમ અને સરોલીના ટેક્સટાઇલ અને ડાયમંડ ક્લસ્ટર નજીક આવેલા ઉતરાણ સ્ટેશનને સચિન અને ઉધનાની તર્જ પર તાત્કાલિક ‘સેટેલાઇટ સબ-અર્બન હબ’ તરીકે વિકસાવવાની અપીલ કરાઈ છે.

રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે મુંબઈ-હિસાર દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનને સુરત ખાતે સ્ટોપેજ આપવાની રજૂઆત થઈ છે. સાથે જ રામદેવરા યાત્રાધામ અને વેપારને વેગ આપવા બાંદ્રા ટર્મિનસ-જેસલમેર ટ્રેનની ફ્રીક્વન્સી વધારીને દૈનિક કરવાની માંગ પણ મુકાઈ છે. સુરતના વેપારીઓ એક જ દિવસમાં અમદાવાદ કે મુંબઈ જઈને સાંજે પરત ફરી શકે તે રીતે વંદે ભારત એક્સપ્રેસનું ટાઇમટેબલ ગોઠવવાની સૂચન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થાનિક પ્રશ્નોના કાયમી અને ઝડપી ઉકેલ માટે વડોદરા અને મુંબઈ ડિવિઝનના DRM સાથે દર મહિને SGCCI ખાતે નિયમિત બેઠક યોજવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે.