ભરૂચના જંબુસરમાં સંસ્કારધામ-ઘનશ્યામનગરના રહીશો દ્વારા નગરપાલિકા સામે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો
ભરૂચના જંબુસરના સંસ્કારધામ-ઘનશ્યામનગર સોસાયટીના રહીશોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકા સામે રેલી કાઢી ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો જંબુસર નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી હતી.રહીશોના જણાવ્યા મુજબ સોસાયટી વિસ્તારમાં રસ્તા, ગટર વ્યવસ્થા તેમજ પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પણ પોતાની સમસ્યાઓ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમની મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
