સુરત શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 375 વર્ષ જૂના મંદિરમાં મુગટ પૂજાના દર્શને આકર્ષણ જમાવ્યું હતું.

સુરત શહેરમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને શહેરના તમામ નામી-અનામી કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં તો શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યાં ભક્તોએ નટખટ ગોપાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બીજી તરફ, સુરતના ઐતિહાસિક અને અંદાજે 375 વર્ષ જૂના પ્રણામી મોટા મંદિરમાં પણ દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાનની મૂર્તિની જગ્યાએ રાધાકૃષ્ણના પવિત્ર મુગટની પૂજા કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સમગ્ર સુરત શહેર હાલ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે કૃષ્ણમય બની ગયું છે.