દાહોદના ભથવાડા ટોલનાકા પર કાર ચાલકે ટોલ કર્મચારી પર કાર ચઢાવી દેવાનો સનસનાટીભર્યો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટના બાદ પીપલોદ પોલીસે કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભથવાડા ટોલનાકા પર દબંગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટોલનાકા પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે ટોલ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેની પર કાર ચઢાવી દેવાનો રોષે ભરાઈને પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ટોલનાકા પર થોડીવાર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પીપલોદ પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા,અને ગણતરીના કલાકોમાં જ કાર ચાલક તેમજ તેની સાથે રહેલા અન્ય એક શખ્સ સહિત કુલ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

કાયદાનું ભંગ કરનારા અને દબંગાઈ દેખાડનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પીપલોદ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.