અંકલેશ્વરની ગડખોલ ગ્રામપંચાયતના મહિલા સરપંચ મંજુલા પટેલે ઓડી કારમાં સવાર થઈ ડી.જે.સાથે સરઘસ કાઢી ફરી એકવાર સરપંચ પદનો ચાર્જ સાંભળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
અંકલેશ્વરની ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલે પાંચ વર્ષના સમયગાળામાં પાંચમી વખત સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો છે. ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આક્ષેપોને લઈને વહીવટી તંત્ર દ્વારા અગાઉ ત્રણ વખત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, દરેક વખતે હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યા બાદ તેમણે ફરી સરપંચ તરીકેની જવાબદારી સંભાળી હતી.તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાણાકીય ગેરરીતિના આરોપસર મંજુલાબેન પટેલને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા બાદ તેમણે ફરી એક વખત સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.મંજુલાબેન પટેલ માસ્ટર પેનલના સરપંચ છે. ચાર્જ સંભાળવા માટે તેઓ ઓડી કારમાં સવાર થઈ ડી.જે. સાથે સરઘસના સ્વરૂપે ગડખોલ ગ્રામપંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચાર્જ સંભાળવાના પ્રસંગે ઉત્સાહ જોવા મળ્યો હતો.બીજી તરફ, મંજુલાબેન પટેલના સમર્થકોએ વિરોધીઓ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિરોધીઓ દ્વારા ખોટી અરજીઓ કરી વારંવાર સરપંચને હેરાન કરવામાં આવી રહ્યા છે.

પાંચ વર્ષમાં પાંચમી વખત ચાર્જ સંભાળવાના બનાવને પગલે ગડખોલ ગ્રામપંચાયતનું સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે ત્યારે આગામી સમયમાં શું નવાજુની થાય છે એના પર સૌની મીટ મંડાઈ છે.