ભાવનગર શહેરના સીદસર વિસ્તારમાં ભાઈ બહેનને મારમાર્યા બાદ તેમના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક હુમલાઓ કરવામાં આવ્યો હતો.ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

ભાવનગર શહેરના સીદસર વિસ્તાર નજીક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વ્યાપકપણે કથળી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બાબતે શરૂ થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં અજાણ્યા અને સ્થાનિક તત્વો દ્વારા રમેશગીરી ગોસ્વામી નામના આધેડ વયના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારો વડે જાહેર રસ્તા પર જ પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો બેફામ બનીને આધેડ પર તૂટી પડતા નજરે પડે છે. ગંભીર રીતે ઘવાયેલા રમેશગીરીને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

ઈજાગ્રસ્ત પરિવારના જણાવ્યા અનુસાર,પરિવાર પર ખોટી રીતે ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ભાઈ-બહેન પર હુમલો કરીને તેમને માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર પરિવારે આ મામલે વરતેજ પોલીસ મથક ખાતે પહોંચીને ન્યાય મેળવવા અને ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કે ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરિવારનો સીધો આરોપ છે કે જો વરતેજ પોલીસે કડક પગલાં લીધા હોત તો પિતા પર આ રીતે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થવાની નોબત ન આવી હોત. હાલ આ ઘટનાના વિડીયોના આધારે સ્થાનિકોમાં પણ વરતેજ પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.