ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં ધોળા દિવસે પિયુષ જનરલ સ્ટોરમાંથી લાખોની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક આવેલા પિયુષ જનરલ સ્ટોરમાં વહેલી સવારે એક અજાણ્યો શખ્સ દુકાનમાં આવ્યો હતો. વેપારી થોડા સમય માટે દુકાનના અંદરના ભાગમાં કામ અર્થે ગયા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સે તકનો લાભ લઈ લાખોની રોકડ ભરેલો થેલો ઉઠાવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. થોડીવાર બાદ વેપારી પરત ફર્યા, ત્યારે રોકડ ભરેલો થેલો નજરે ન પડતા ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. રાજપારડી પોલીસ ઉપરાંત SOG અને LCB પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે, અને અજાણ્યા શખ્સની ઓળખ તથા તેના સુધી પહોંચવા માટે અલગ-અલગ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
