ભરૂચના વાગરા તાલુકાના વાવ ગામે BVC કંપનીમાંથી કેમિકલ ભરીને લઈ જતાં ટેમ્પાને ગ્રામજનોએ રોકી વિરોધ નોંધાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેમ્પામાં લઈ જવાતું કેમિકલ અત્યંત તીવ્ર દુર્ગંધ ધરાવતું હતું અને તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હતી. ઘટનાને પગલે ગામમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામજનોનો આક્ષેપ છે કે વાવ ગામમાંથી પસાર થતો માર્ગ મુખ્યત્વે ગ્રામજનો અને રાહદારીઓના ઉપયોગનો રસ્તો હોવા છતાં કંપનીઓના મોટા અને ભારે વાહનોની અવરજવર સતત થઈ રહી છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ભારે વાહનોના નિયમન અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.