ભરૂચના આમોદના માતર ગામ નજીક એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજાવી ફરાર થઇ ગયેલ ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના આમોદના માતર નજીક ગત શનિવારના રોજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો ભેદ આમોદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.અકસમાતની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ પોલીસે આરોપી સુધી પહોંચવા માટે સઘન ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. પોલીસે 3,000થી વધુ CCTV ફૂટેજ અને 8 ઇલેક્ટ્રિક કારના ડેશકેમ ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. વિવિધ સ્થળોના CCTV અને ડેશકેમ ફૂટેજને આધારે પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકની કડી મેળવી હતી.તપાસ દરમિયાન ટ્રક કર્ણાટકનો હોવાનું સામે આવ્યું હતું. ટ્રકને ટ્રેસ કરતાં પોલીસની ટીમ મોરબી પહોંચી હતી, જ્યાંથી ટ્રક અને તેના ચાલક મંજૂનાથ લક્ષમણ માસેટીને ઝડપી પાડવામાં આવ્યો હતો.આમોદ પોલીસના PI આર.બી. કરમટિયા સહિતની ટીમે સઘન ટેક્નિકલ તપાસ હાથ ધરી સમગ્ર મામલાની કડીઓ જોડીને અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
