હિંમતનગરમાં કળા અને ભક્તિનો અદભુત સંગમ

ગણેશોત્સવ પૂર્વે કલાકારની અનોખી આરાધના 

15 દિવસની મહેનત અને અનોખી કળા

‘સિક્કાના ગણેશજી’ બન્યા ભારે આકર્ષણનું કેન્દ્ર

રૂ.5ના 1000 સિક્કાનો ઉપયોગ કરીને આકર્ષક પ્રતિમા બનાવી  

સાબરકાંઠાના હિંમતનગરમાં કળા અને ભક્તિનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે,જાણીતા કલાકાર હિતેશ પંચાલે 5 રૂપિયાના 1000 સિક્કાઓનો ઉપયોગ કરીને ગણપતિજીની એક અત્યંત અનોખી અને આકર્ષક પ્રતિમા તૈયાર કરી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આ વર્ષે ગણેશોત્સવ પૂર્વે કળા અને ભક્તિનો એક અલૌકિક સમન્વય જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કળા ક્ષેત્રે કાર્યરત જાણીતા કલાકાર હિતેશ પંચાલે ગણેશજીની એક અત્યંત અનોખી અને આકર્ષક પ્રતિમા તૈયાર કરી છે. દર વર્ષે ગણેશ આરાધનામાં કંઈક નવું સર્જન કરતા આ કલાકારે આ વખતે રૂપિયા 5 ના 1000 સિક્કાઓનો ઉપયોગ કરીને 3 ફૂટના ગોળાકારમાં ગણપતિ દાદાની ભવ્ય આકૃતિ કંડારી છે.

સામાન્ય રીતે કોઈપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશની આરાધનાથી થતી હોય છે, પરંતુ હિંમતનગરના કલાકાર હિતેશ પંચાલ માટે તેમની આખી કળા જ ગણપતિ દાદાને સમર્પિત છે. છેલ્લા 6 થી 7 વર્ષથી તેઓ ગણેશોત્સવ ટાણે અનોખી રીતે ગણેશજીની ઉપાસના કરી રહ્યા છે.

અગાઉ તેમણે ન્યૂઝપેપર, 51 પોસ્ટકાર્ડ તેમજ વેસ્ટ ઈલેક્ટ્રિક ઉપકરણોમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવીને લોકોની વાહવાહ મેળવી હતી. આ વર્ષે તેમણે 15 દિવસની આકરી મહેનત બાદ 3 બાય 3 ફૂટના ગોળાકાર બોર્ડ પર ખાસ પદ્ધતિથી 5 રૂપિયાના 1000 સિક્કાઓ ચોંટાડીને આ મનોહર પ્રતિમા તૈયાર કરી છે.

કલાકાર હિતેશ પંચાલ કોઈપણ માંગલિક કે શુભ પ્રસંગે નિઃશુલ્ક ગણેશજીની પ્રતિમા કે ચિત્ર બનાવી આપે છે. હાલમાં આ ‘સિક્કાના ગણેશ’ આખા હિંમતનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.