પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા

300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ 

28 જુલાઈનું વાવેતર છતાં ડાંગરમાં ન આવ્યો નિગાલ

ખેડૂતોને  વીઘે રૂ.40 હજારના નુકસાનનો દાવો

પ્રાંતિજ ખેડૂત સહાય કેન્દ્રનું બિયારણ બોગસ?

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અનવરપુરા, કમાલપુર અને વદરાડ ગામના ખેડૂતોમાં ડાંગરના બોગસ બિયારણને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અનવરપુરા, કમાલપુર અને વદરાડ ગામના ખેડૂતોમાં ડાંગરના બોગસ બિયારણને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાંતિજ ખેડૂત સહાય કેન્દ્રમાંથી ખરીદાયેલા ‘ઈનો એગ્રિ જીનેટીક્સ’ કંપનીના અંદાજે 500 બેગ બિયારણથી ખેડૂતોએ 250થી 300 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું. જોકે, 28 જુલાઈના રોજ વાવેતર કર્યાના દિવસો વિતી ગયા છતાં પાકમાં હજુ સુધી નિગાલ ન આવતા અને યોગ્ય વિકાસ ન થતા ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં આવી ગયા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમના કરતા 25 દિવસ મોડું વાવેતર કરનારા અન્ય ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે, જ્યારે તેમના ખેતરોમાં ડાંગરનો વિકાસ જ અટકી ગયો છે. આના કારણે ખેડૂતોને વીઘે આશરે 40 હજાર રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઘટનાની ગંભીરતા જોતા કંપનીના અધિકારીઓ અને સેન્ટરના માલિક ખેતરોમાં દોડી આવ્યા હતા. કંપનીના અધિકારી રાજેશભાઈએ 110થી 115 દિવસનો પાક હોઈ હજુ 40થી 45 દિવસ રાહ જોવાની વાત કરી છે, પરંતુ ખેડૂતો આ બચાવથી બિલકુલ સંતુષ્ટ નથી. બિયારણ, ખાતર અને મજૂરીનો મોટો ખર્ચ માથે પડતા રોષે ભરાયેલા ખેડૂતોએ કંપની પાસે તાત્કાલિક વળતરની માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નુકસાનની ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓ કૃષિ વિભાગ, સરકાર સમક્ષ રજૂઆત કરી પોલીસ ફરિયાદ નોંધાવશે.