પશ્ચિમ તુર્કીના મનિસા પ્રાંતમાં એક વિદ્યાર્થીએ તેની હાઈસ્કૂલની બહાર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 11 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તુર્કીના ન્યાય મંત્રી અકિન ગુરલેકે આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થિઓની હાલત ગંભીર છે.
મંત્રી ગુરલેકે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને તેના માતા-પિતા તથા દાદા-જેમની પાસે હુમલામાં વપરાયેલું હથિયાર હતું. તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટના વિશે પોસ્ટ કરતા મંત્રીએ કહ્યું, “જ્યારે આપણા બાળકોની સુરક્ષાની વાત આવે છે, ત્યારે કોઈ પણ બેદરકારી કે, બેજવાબદાર વર્તનને નજરઅંદાજ કરી શકાય નહીં.” ગુરલેકે ઉમેર્યું કે, હુમલામાં વપરાયેલી બંદૂક કયા સંજોગોમાં મેળવવામાં આવી હતી, હથિયારનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો હતો, અને બાળકોની સંભાળ તથા દેખરેખ અંગે માતા-પિતાની જવાબદારીઓ શું હતી, તે બાબતોની સઘન તપાસ ચાલી રહી છે.
શાળાની બહાર થયેલા હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક છોકરો શાળા નજીક રસ્તા પર રાઈફલથી ગોળીબાર કરતો અને ત્યારબાદ ભાગી જતો જોવા મળે છે. “ઈન્સી ઉઝમેઝ વોકેશનલ એન્ડ ટેકનિકલ એનાટોલિયન હાઈસ્કૂલ નજીક ગોળીબારના અહેવાલો મળ્યા બાદ પોલીસ અને તબીબી ટીમોને તે વિસ્તારમાં મોકલવામાં આવી હતી.” દરમિયાન, આ ઘટના બાદ ઉપરાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે ગૃહ મંત્રી સિફ્તચી અને શિક્ષણ મંત્રી યુસુફ તેકિન પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મનિસા જઈ રહ્યા છે.
