ભરૂચના જંબુસરના સીગામે આયોજન
શિકોતર માતાના મંદિરે આયોજન
વર્ષો જૂની પરંપરા પ્રમાણે યજ્ઞ યોજાયો
8મી સદીથી યોજાય છે યજ્ઞ
ઘીની ધારા સાથે અનોખા યજ્ઞનું આયોજન
ભરૂચના જંબુસરના સીગામમાં 8મી સદીથી સિકોતર માતાનો અનોખો યજ્ઞ યોજાઈ છે જેમાં ઘીની અવિરત ધારા સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે.
ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ગામમાં 8મી સદીથી દર બે વર્ષે શિકોતર માતાનો અનોખો યજ્ઞ યોજાય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ગ્રામજનો દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જાળવી રાખવામાં આવી છે.આ યજ્ઞની વિશેષતા એ છે કે યજ્ઞ દરમિયાન ઘીની અવિરત ધાર વહેતી રાખવામાં આવે છે. જ્યાં સુધી ઘીની ધાર ચાલુ રહે ત્યાં સુધી યજ્ઞ પણ અવિરત ચાલુ રહે છે. યજ્ઞનો સમય અગાઉથી નક્કી હોતો નથી. આ અનોખી પરંપરાના દર્શન કરવા આસપાસના ગામો ઉપરાંત દૂર-દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
સ્થાનિક લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં સીગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે ગામના ઠાકોર સાહેબે કુળદેવી શિકોતર માતાની આરાધના કરી હતી અને માતાજીના આશીર્વાદથી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાંથી રોગચાળો શમી ગયો હોવાનું સ્થાનિકોમાં માનવામાં આવે છે. ત્યારથી દર બે વર્ષે આ યજ્ઞની પરંપરા અવિરત ચાલી રહી છે.
યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, હવન, પૂજા-અર્ચના સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. આ પ્રસંગે ધારાસભ્ય ડી. કે. સ્વામી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકાના આગેવાનો, હરદિપસિંહ યાદવ, યશવંતસિંહ યાદવ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
