ભરૂચમાં ગણેશ મહોત્સવનું સમાપન

શ્રીગણેશની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી

શહેરના રાજમાર્ગો ઉભરાયા

વહેલી સવાર સુધી વિસર્જન પ્રક્રિયા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઘ્નહર્તા શ્રી ગણેશને વિદાય આપવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી

ગણેશ મહોત્સવના સમાપન સાથે ભરૂચ જિલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયા આજે વહેલી સવાર સુધી ચાલી હતી. ભાડભૂત ખાતે ક્રેઇનની મદદથી મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેરમાં શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા યોજાતા રાજમાર્ગો ભક્તોથી ઉભરાઈ ગયા હતા.

શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર ગણેશ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ડી.જે.ના નાદ અને ગુલાલની છોળો વચ્ચે ભક્તોએ ઉત્સાહભેર બાપ્પાને વિદાય આપી હતી.વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર ખડેપગે રહ્યા હતા અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. અંતે ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી હતી.