ચોમાસા દરમ્યાન અપૂરતા વરસાદના કારણે ખેડૂતોને હાલાકી

જંબુસર-આમોદ પંથકના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં

જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

MLAની રજૂઆત બાદ નર્મદા નિગમની નહેરમાં પાણી આવ્યું

ખેડૂતોએ ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

ભરૂચ જિલ્લાના જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની રજૂઆત બાદ નર્મદા નિગમની નહેરમાં પાણી આવતા જંબુસર-આમોદના ખેડૂતોએ ધારાસભ્ય અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં ચોમાસા દરમ્યાન અપૂરતા વરસાદના કારણે ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે, ત્યારે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રજૂઆત કરી હતી.

ધારાસભ્યની રજૂઆત બાદ નર્મદા નિગમની નહેરમાં સિંચાઈનું પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રી પૂર્વે નહેરમાં પાણી આવતા પાકને રાહત અને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સમા ચોકડી નજીક આવેલી નર્મદા નિગમની કેનાલ ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામીની ઉપસ્થિતિમાં નહેરમાં આવેલા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખેડૂતો અને ઉપસ્થિત આગેવાનોને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા બદલ ખેડૂતોએ ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.