અબ્રામામાં નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ

1694 કિલો શંકાસ્પદ ઘી કરવામાં આવ્યું જપ્ત

કારખાનાની મશીનરી સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત

મહારાષ્ટ્ર સુધી સપ્લાય થતું હતું ભેળસેળયુક્ત ઘી

પોલીસે ત્રણ ભેજાબાજ શખ્સો સામે કરી કાર્યવાહી

સુરત પોલીસ અને ફૂડ અધિકારીઓએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વેચાતા નકલી ઘીના કારખાના પર રેડ કરી હતી.અને 1694 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું.

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર-18 માં બાતમીના આધારે ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલી રેડ દરમિયાન સ્થળ પરથી 1694 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે વનસ્પતિ ડાલડા ઘી, સોયાબીન તેલ અને ઘી બનાવવા માટે વપરાતા મશીનો સહિત કુલ 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. હાલ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બનાવટી ઘી બનાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના આ ગુનામાં પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સન્ની કલ્પેશભાઈ મોદી, કિશનભાઈ મનોજભાઈ મોદી અને કલ્પેશભાઈ સુંદરલાલ મોદીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ બનાસકાંઠાના ડીસાના વતની છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લોકો શુદ્ધ ઘી માનીને જે નકલી ઘી ખરીદતા હતા, તે મોટા પ્રમાણમાં મહારાષ્ટ્ર ખાતે સપ્લાય કરવામાં આવતું હતું. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને લેબોરેટરીના ફાઇનલ રિપોર્ટ્સ આવ્યા બાદ વધુ કડક પગલાં લેવામાં આવશે.