નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ કટિબદ્ધ

નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘શી ટીમ’

પોલીસની ‘શી ટીમ’ માટે શક્તિ સન્માન સમારોહનું આયોજન

‘શી ટીમ’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓઓનું સન્માન

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ‘શી ટીમ’ની કામગીરીને બિરદાવી

સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રીના તહેવાર દરમ્યાન ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘શી ટીમ’ની 200થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ માટે ‘શક્તિ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેર તથા જીલ્લામાં તહેવારોની મોસમમાં, ખાસ કરીને નવરાત્રી દરમિયાન રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ કરવા, જાહેર સ્થળો અને ગરબા ગ્રાઉન્ડ્સ પર મહિલાઓ, દીકરીઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા ‘શી ટીમ’ને બિરદાવવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં ‘શી ટીમ’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા પોલીસકર્મીઓએ નવરાત્રી દરમ્યાન રાત્રે ટુ-વ્હીલર કે, ફોર-વ્હીલરમાં નીકળતી દીકરીઓ સુરક્ષિત ઘરે પહોંચે તે માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.

આગામી દિવાળીના તહેવારોમાં પણ ‘શી ટીમ’ બજારો, બેંકો અને જ્વેલરીની દુકાનોની આસપાસ સતત પેટ્રોલિંગ કરશે. ‘શી ટીમ’ પોલીસની કામગીરીથી દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે શહેરમાં હરીફરી શકે છે, ત્યારે સુરત પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ‘શી ટીમ’ની કામગીરીને બિરદાવી છે. સુરત પોલીસની આ પહેલથી મહિલા પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહ સાથે તેમનું મનોબળ વધ્યું છે, અને નાગરિકો દ્વારા પણ તેમની આ સરાહનીય કામગીરીને ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે.