અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ નિમિત્તે આગામી 31મી ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’, રાજપીપળા ખાતે એક મહત્વની આયોજન બેઠક યોજાય હતી.
ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’, રાજપીપળા ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત મહત્વની આયોજન બેઠક યોજાય હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોને ભવ્ય અને સફળ બનાવવા માટેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન આ મહોત્સવમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી લોકો જોડાતા હોય છે. આ ગૌરવશાળી પ્રસંગે યોજાનારા વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સંગઠન સ્તરેથી કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી અને વ્યવસ્થાપન સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ આયોજનબદ્ધ રીતે આગળ વધવું જરૂરી છે. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ જવાબદારીઓની વહેંચણી કરી ઉપસ્થિતોને પ્રેરણા પૂરી પાડી હતી.
આ બેઠકમાં નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ શબ્દસરણ તડવી, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, ભરૂચ-નર્મદા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ, મહામંત્રીઓ, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ-હોદ્દેદારો તેમજ અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
