ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં આગામી 15 નવેમ્બરના રોજ યોજાનાર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના આયોજન અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, આહવા-ડાંગ સહિત ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી ડૉ. નવનાથ ગવ્હાણે તેમજ વિવિધ જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા.

બેઠક દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીને લઈને વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવનાર આનુષંગિક કામગીરી અંગે ચર્ચા કરી તેનું આખરીકરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લાના પ્રાયોજના વહીવટદારોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સ બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા કરી હતી. જેમાં કાર્યક્રમના સ્થળે સ્ટેજ, જનમેદની માટે મંડપ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સુવિધાઓ સમયસર ઊભી કરવા અંગે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.