ભરૂચ જિલ્લામાં ઓપરેશન હેલ્થ અંતર્ગત નેશનલ હાઇવે પરની હોટેલોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલ “ઓપરેશન હેલ્થ”અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ભરૂચ દ્વારા વડોદરા,ભરૂચ,સુરત નેશનલ હાઇવે નં. 48 પર ભરૂચ જિલ્લાની હદમાં આવતી તમામ હાઇવે હોટેલોની તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો હરવાફરવા નીકળે છે. આ મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. તપાસ દરમિયાન હોટલ સંચાલકો લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક પીરસે છે કે નહીં ? ખોરાક બનાવવા માટે વપરાતો કાચો માલ ઉચ્ચ ગુણવત્તાવાળો છે કે નહીં ? હોટેલમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં ? હોટેલમાં કામ કરતા કર્મચારીઓ વ્યક્તિગત સ્વચ્છતા જાળવે છે કે નહીં ? વગેરે બાબતો ચકાસવામાં આવી હતી.

આ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 21 હોટેલોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 6 હોટેલોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 ના શિડ્યુલ-4 ની શરતો અને જોગવાઈઓનું પાલન ન કર્યું હોવાથી તેમને સુધારા નોટિસ આપવામાં આવી છે. શરતોનું પાલન ન કરવા બદલ 1 હોટેલને સેલ્ફ ક્લોઝર સુધારા ન કરે ત્યાં સુધી તથા આશરે 18 કિલો બિનરોગ્યપ્રદ ખોરાક,શાકભાજી તથા અન્ય રો મટીરીયલનો યોગ્ય જગ્યા સ્વૈચ્છીક રીતે નાશ કરવામાં આવ્યો હતો.
સાથે જ, તમામ હોટેલ સંચાલકોએ પોતે વેચતો આઇસક્રીમ દૂધમાંથી બનેલો છે કે પછી પામ તેલ અને મિલ્ક પાવડરમાંથી બનેલું આઈસ્ક્રીમ જેવું દેખાતું “ફ્રોઝન ડેઝર્ટ” છે, તે ગ્રાહકો જોઈ શકે તે રીતે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. આ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તથા આગામી દિવસોમાં તમામ હાઇવે હોટેલની તપાસ કરવામાં આવશે.
