કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે જિંદાલ કંપની વિરુદ્ધ સ્થાનિક રોજગારી મુદ્દે ગ્રામજનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ દરમ્યાન બે આંદોલનકારીઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સરકારનો નિયમ હોવા છતાં જીંદાલ કંપની દ્વારા નાના કપાયા ગામના લોકોને રોજગારી આપવામાં આવતી નથી. જેથી રોજગારીની માંગ માટે 10 દિવસથી કંપની સામે ગ્રામજનો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન છાવણીમાં ધરણા કરનારાઓ દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવ્યો હતો, ત્યારે સવારથી ઉપવાસ પર બેઠેલા ધરણા કરનારાઓ પૈકી બે લોકોની તબિયત બગડતા 108 મારફતે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, છેલ્લા દસેક વર્ષથી વધુ સમયથી જિંદાલ કંપનીમાં નોકરી કરતા લોકોને હજી સુધી કંપનીમાં કાયમી કરવામાં આવ્યા નથી. તો કંપની દ્વારા કાઢવામાં આવતા દૂષિત પાણીનો પણ કોઈ નિકાલ થતો નથી. જેથી વિવિધ સમસ્યાઓ અંગે ગામના માજી સરપંચ અને હાલ ગ્રામ પંચાયતના સદસ્યના નેતૃત્વમાં ધરણા ચાલી રહ્યા છે. જેમાં બે વ્યક્તિની તબિયત લથડતા આંદોલન હવે વધુ ઉગ્ર બનશે તેવું ચર્ચાઇ રહ્યું છે. જોકે, કંપની દ્વારા હજી સુધી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી.
