બ્રોક લેસનરનું કરિયર રમતગમતના ઈતિહાસના સૌથી અનોખા સફરમાં ગણાય છે. સાઉથ ડકોટાના ખેડૂત પરિવારમાંથી આવતા લેસનરે સૌપ્રથમ કોલેજ રેસલિંગમાં પોતાની ઓળખ બનાવી હતી. મિનેસોટા યુનિવર્સિટી તરફથી રમતા તેઓ બે વાર ઓલ-અમેરિકન બન્યા, બે વાર બિગ ટેન ચેમ્પિયન રહ્યા અને વર્ષ 2000માં NCAA ડિવિઝન-1 (NCAA Division-I) નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ પણ પોતાના નામે કરી હતી.

કોલેજ રેસલિંગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે WWE તરફ પ્રયાણ કર્યું અને માત્ર બીજા જ વર્ષે એટલે કે 2002માં ડ્વેન ‘ધ રોક’ જોનસીનાને હરાવીને પોતાનો પહેલો WWE વર્લ્ડ ટાઇટલ જીતી લીધો. પોતાના ખતરનાક F-5 ફિનિશિંગ મુવના દમ પર લેસનરે WWEમાં કુલ 10 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી અને ‘ધ બીસ્ટ ઈનકાર્નેટ’ના નામથી વિશ્વભરમાં જાણીતા થયા.

તેના નામે બે રોયલ રમ્બલ (2003 અને 2022), કિંગ ઓફ ધ રિંગ (2002) અને મની ઈન ધ બેંક લેડર મેચ (2019) જીતવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. વર્ષ 2014માં તેણે રેસલમેનિયામાં ધ અંડરટેકરની 21-0ની ઐતિહાસિક જીતની સ્ટ્રીક તોડીને પ્રો રેસલિંગના ઈતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંથી એકને જન્મ આપ્યો હતો.