ભાવનગરની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું છે, વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો ( NQAS) પર ભાવનગર ખરું ઉતર્યું છે. જેમાં ભાવનગરનું વધુ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે.
જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. થોડા સમય પહેલાં જ ભાવનગરના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉમરાળા તાલુકાના દડવા, શિહોર તાલુકાના સણોસરા અને વલ્લભીપુર તાલુકાના રતનપર (ગા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણોમાં ઉચ્ચતર ગુણાંક પ્રાપ્ત કરતા સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ભાવનગર ગ્રામ્યના ફરીયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ૯૪% સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS એવોર્ડમાં સમગ્ર જીલ્લામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
ભારત સરકારના NQAS પ્રોગ્રામ અંતર્ગત જાહેર આરોગ્ય ક્ષેત્રે જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભાવનગરની યશકલગીમાં આ રીતે વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું છે. રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, બહારના દર્દીઓનો વિભાગ, અંદરના દર્દીઓનો વિભાગ, લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્ટીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત ૨ દિવસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જિલ્લામાં આરોગ્યની સ્થિતિ વધુ બહેતર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા પ્રયત્નશીલ છે. તેમના જિલ્લામાં આરોગ્ય સ્થિતિ સુધારવાના પગલા રંગ લાવ્યા છે, અને કેન્દ્ર સરકાર શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રમાં ભાવનગરનું ૫મુ કેન્દ્ર પસંદગી પામ્યું છે.
