ગઈ કાલે સાંજે મહાશિવરાત્રિ નિમિત્તે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવના સાંનિધ્યમાં મહાઆરતી આયોજિત મહાઆરતી સમયે એક યુવાનને ગભરામણ થતાં મોત નીપજ્યું હતું. નોધનીય છે કે મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મળેલી માહિતી મુજબ મહાશિવરાત્રિ નિમિત્તે નીકળેલી શિવજી કી સવારીમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એ સાથે સાજે લોકો સૂરસાગર ખાતે આયોજિત મહાઆરતીમાં પણ જોડાયા હતા.

ડભોઇ રોડ પર રહેતો નિશીતકુમાર રાજેન્દ્રપ્રસાદ પુરાણી પણ શિવજી કી સવારીમાં સહભાગી થયો હતો. તે દરમિયાન સુરસાગર ખાતે ચાલી રહેલી મહાઆરતી સમયે નિશીતકુમાર પુરાણીને છાતીમાં દુખાવો શરૂ થતાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો અને બે ભાન થઇ ગયો હતો. શિવજી કી સવારી અને મહાઆરતીના કારણે સુરસાગર ફરતે ભારે ભીડ હતી. આથી 108 એમ્બ્યુલન્સ આવી શકે તેવી કોઇ શક્યતા નહતી. પરંતુ, જે તે સ્થળે ફરજ બજાવી રહેલી પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ જીપમાં બેભાન થઇ ગયેલા નિશીતકુમારને સયાજી હોસ્પિટલમાં લઈ ગઇ હતી. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ નિશીતકુમારની સારવાર કરતાં પહેલાંજ તેણે મૃત જાહેર કર્યો હતો.