સત્તા હાથમાં હોય અને જતી રહે તે તો કોઈને પણ ન પોસાય. તેવામાં ભાજપ ફરી સત્તા પર આવવાની સાથે-સાથે મિશન 150ને પૂર્ણ કરવા માટે અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. અને આ માટે હવે નવી રણનીતિ સાથે કામ કરશે.જેના માટે પ્લાન પણ ઘડાઈ ચૂક્યો છે.અને ભાજપે ચૂંટણી માટે કમર કસી લીધી છે

ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળશે. ત્યારે ફરી સત્તા હાંસિલ કરવા માટે અને વિરોધીઓના પગપેસારાને રોકવા માટે ભાજપે ખાસ રણનીતિ ઘડી છે. જેના ભાગરૂપે આગામી પખવાડિયાની એટલે કે, 7 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરશે.આ પખવાડિયામાં ભાજપ ખેડૂતો, ગરીબો, કલ્યાણકારી યોજનાઓ પ્રધાન્ય આપીને આ વર્ગને આવરી લેવાનો પ્રયાસ કરશે. મહત્વનું છે કે, ભાજપે સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી રણનીતિમાં કેબિનેટ મંત્રીઓ અને સંગઠન મંત્રીઓને ટાસ્ક સોંપ્યો છે.

જેમાં ક્યા દિવસે શું કામગીરી કરવાની છે તેનું પણ માળખું ઘડાઈ ગયું છે. આ કામગીરી પર પર નજર કરીએ તો. 7 એપ્રિલથી આયુષ્યમાન ભારત યોજનાના પ્રચારની શરૂઆત કરાઈ છે. ૮ એપ્રિલે PM આવાસ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. જ્યારે ૯ એપ્રિલે નલ સે જળ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. અને ૧૦ એપ્રિલે PM કિસાન યોજનાનો પ્રચાર શરૂ કરવામાં આવશે. જ્યારે ૧૧ એપ્રિલે જ્યોતિબ ફૂલે દીવસની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ ૧૨ એપ્રિલે નિઃશુલ્ક કોવિડ રસીકરણ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. તો ૧૩ એપ્રિલે ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રચારની શરૂઆત કરાશે. ત્યાર પછી ૧૪ એપ્રિલ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરાશે. અને ૧૫ એપ્રિલે અનુ.જનજાતી કલ્યાણ યોજનાના પ્રચારની શરૂઆત કરાશે. જ્યારે ૧૬ એપ્રિલે અસંગઠિત શ્રમિક સંમેલન યોજી લોકો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરાશે. આ સિવાય ૧૭ એપ્રિલે ગૌરવ દિવસ ઉજવણીનો પ્રચાર શરૂ કરાશે.

તો ૧૮ એપ્રિલે સ્વચ્છ ભારત મિશન સન્માન હેઠળ લોકોને જોડવાની કામગીરી હાથ ધરાશે. જ્યારે ૧૯ એપ્રિલ પોષણ આહાર દિવસ ઉજવણી કરવામાં આવશે. અને ૨૦ એપ્રિલે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સન્માન સમારોહ યોજાશે.આમ વિવિધ યોજનાઓ અને સમારોહો થકી ભાજપ પ્રજા સુધી પહોંચવાની રણનીતિ પર કામ કરશે.મહત્વનું છે કે, ભાજપે પ્રજાસુધી પહોંચવાનો રોડમેપ તો અત્યારથી જ તૈયાર કરી લીધો છે. અને તેની અમલવારી પણ શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ રણનીતિથી ભાજપ પ્રજા વચ્ચે કેટલી હદે પોતાની પક્કડ બનાવી શકે છે.