નર્મદા જિલ્લાના સાગબારા ખાતે 15મી ઓગષ્ટ’ સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટે પૂર્વ તૈયારીની જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે સમીક્ષા કરી આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભારત દેશના સ્વતંત્રતા પર્વ 15મી ઓગષ્ટની નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે સાગબારાની નવરચના હાઈસ્કૂલના મેદાન ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે. આ ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લગતી વિવિધ કામગીરીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા, વાહન વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના માન. પ્રભારી મંત્રી ઈશ્વર પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાનાર છે.

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણી દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે. નર્મદા જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી જિલ્લા કક્ષાના આ રાષ્ટ્રીય પર્વને ભવ્ય અને યાદગાર બનાવવાની સૂચના આપી હતી.

આ બેઠકમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, નાયબ વન સંરક્ષક ગૌરવ પ્રજાપતિ (સામાજિક વનીકરણ), નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ સહિત વિવિધ વિભાગોના જિલ્લાના અધિકારીઓ તેમજ આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.