રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની તેની ત્રીજી મેચમાં પણ હારી ગઈ હતી. બુધવારે (8 માર્ચ) મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં તેને ગુજરાત જાયન્ટ્સે 11 રનથી હરાવ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં RCBની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 190 રન જ બનાવી શકી હતી.
આ જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે. તેને ત્રણ મેચમાં બે પોઈન્ટ મળ્યા છે. ગુજરાતનો નેટ રનરેટ -2.327 છે. યુપી વોરિયર્સના બે મેચમાં બે પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રનરેટને કારણે તેઓ ત્રીજા સ્થાને છે. જ્યારે ગુજરાત અત્યારે ચોથા ક્રમે છે. આરસીબીની ટીમનું ખાતું ખોલવામાં આવ્યું નથી અને તે તળિયે પાંચમા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના ચાર-ચાર પોઈન્ટ છે. સારા નેટ રનરેટ સાથે મુંબઈ પ્રથમ ક્રમે છે. જ્યારે દિલ્હી હજુ પણ બીજા નંબર પર છે.
મેચની વાત કરીએ તો ગુજરાતના કેપ્ટન સ્નેહ રાણાનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. સબ્બીનેની મેઘના અને સોફિયા ડંકલેએ 22 રનની ભાગીદારી કરી હતી. મેઘના આઠ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. તેના પછી બેટિંગ કરવા આવેલી હરલીન દેઓલે ડંકલીને સપોર્ટ કર્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 30 બોલમાં 60 રનની ભાગીદારી કરી હતી. ડંકલી 28 બોલમાં 65 રન બનાવીને આઉટ થઇ હતી. તેણે 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિમેન્સ પ્રીમિયર લીગમાં આ સૌથી ઝડપી અડધી સદી છે.
ડંકલીના આઉટ થયા બાદ હરલીન દેઓલે એશ્લે ગાર્ડનર સાથે 36 બોલમાં 53 રન ઉમેર્યા હતા. ગાર્ડનર 19 રન બનાવીને આઉટ થઈ હતી. આ દરમિયાન હરલીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. બીજા છેડે દયાલન હેમલતા (16 રન) અને એનાબેલ સધરલેન્ડ (14 રન)એ ઉપયોગી યોગદાન આપ્યું હતું. હરલીન 45 બોલમાં 67 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સ્નેહ રાણાએ બે રન બનાવ્યા હતા. સુષ્મા વર્મા પાંચ અને કિમ ગાર્થ ત્રણ રન બનાવીને અણનમ રહ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલ અને હીથર નાઈટે બે-બે વિકેટ લીધી હતી. મેગન શુટ અને રેણુકા સિંહને એક-એક સફળતા મળી.