ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી શાખાની કાર્યવાહી વચ્ચે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ ભગવતસિંહ વનાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદીની ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો દાવો કરીને તેને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. શરૂઆતમાં દોઢ ટનનું એસી માંગ્યા બાદ ફરિયાદીએ અસમર્થતા દર્શાવતા પીઆઇએ રૂપિયા 40 હજારની લાંચ માંગી હતી. આ રકમ સ્વીકારતાં જ ACBની ટીમે તેમને તેમની જ ચેમ્બરમાં ઝડપી પાડ્યા હતા.
આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઇ રાજદીપસિંહ વનારે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અહીં તેમણે ફરિયાદીને ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનું જણાવી તેને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે દબાણ ઊભું કરીને તેમણે ફરિયાદી પાસે દોઢ ટનનું એસી માંગ્યું હતું. જોકે, ફરિયાદીએ એસી આપવાની અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ પીઆઇએ મામલો થાળે પાડવા માટે રૂપિયા 40 હજાર રોકડા આપવાની માંગણી કરી હતી. પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ માંગણીથી ફરિયાદીએ લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો.
ફરિયાદીએ આણંદ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી કરેલી કાર્યવાહી મુજબ, ફરિયાદી રૂપિયા 40 હજાર લઈને આંકલાવ પોલીસ સ્ટેશનમાં પીઆઇની ચેમ્બરમાં પહોંચ્યા હતા. અહીં પીઆઇ રાજદીપસિંહ વનારે લાંચ સંબંધિત વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી નાણાં સ્વીકાર્યા હતા.
પીઆઇએ રૂપિયા 40 હજાર સ્વીકારતાં જ અગાઉથી ગોઠવાયેલી ACBની ટીમે કાર્યવાહી કરીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ટીમે લાંચની પૂરેપૂરી રકમ પણ સ્થળ પરથી કબજે કરી હતી. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
