કચ્છના શિવલખા સ્થિત ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’થી મીઠાપુર વચ્ચે દેશની સૌપ્રથમ વિશેષ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’ શરૂ કરવામાં આવી છે.

કચ્છના રણમાં અગરિયાઓના પરસેવાથી પાકતું મીઠું હવે બગાડ વિના સીધુ દેશભરના રસોડા સુધી પહોંચશે. ભારતીય રેલવે દ્વારા કચ્છના શિવલખા સ્થિત ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’થી મીઠાપુર વચ્ચે દેશની સૌપ્રથમ વિશેષ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’ શરૂ કરવામાં આવી છે. સ્ટેનલેસ સ્ટીલના આધુનિક કન્ટેનર્સથી સજ્જ આ પહેલ પરિવહન ખર્ચ ઘટાડી કચ્છના મીઠા ઉદ્યોગ માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.

શિવલખાથી મીઠાપુર રવાના થયેલી આ ટ્રેન સાથે માલવાહક પરિવહનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. રેલવે દ્વારા ખાસ તૈયાર કરાયેલા હળવા વજનના આ કન્ટેનર્સમાં ઉપરથી ઝડપી લોડિંગ અને બાજુમાંથી સરળ અનલોડિંગની સુવિધા ઉપલબ્ધ છે, જેનાથી મોટા જથ્થાનું સુરક્ષિત વહન અત્યંત સુગમ બન્યું છે.

વરસાદ અને ભેજ સામે મીઠાને સંપૂર્ણ રક્ષણ આપતા આ કન્ટેનર્સ તેની ગુણવત્તા તેમજ શુદ્ધતા અકબંધ રાખશે. રેલવેની આ અદ્યતન વ્યવસ્થાથી પરિવહનની વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો છે, જે મીઠા ઉદ્યોગને નવું બળ પૂરું પાડશે.

લોજિસ્ટિક્સ ખર્ચ ઘટતાં સ્થાનિક ઉદ્યોગકારો અને અગરિયાઓને સીધો આર્થિક લાભ થશે. સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત પરિવહનની આ પહેલ કચ્છના મીઠાના વેપારને નવી ઊંચાઈ અને વૈશ્વિક ઓળખ આપશે.