રાજસ્થાનના ઉદયપુર સ્થિત મહારાણા પ્રતાપ કૃષિ વિશ્વવિદ્યાલય, અને કપાસ વિકાસ નિગમ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ત્રિદિવસીય કોન્ફરન્સ સફેદ સોનું-કપાસનું સફળ આયોજન ઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું.

સદર કોન્ફરન્સ દરમિયાન ડો. તુષાર પટેલ, કૃષિ વૈજ્ઞાનિક, નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, ભરૂચ શાખા દ્વારા કપાસમાં સક્રિય તેમજ પ્રતિક્રિયાત્મક નીંદણ વ્યવસ્થાપન વિષય ઉપર આધુનિક તાંત્રિકતા રજુ કરવા બદલ તેઓને કુલપતિ, હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય તથા અન્ય મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રેઝન્ટેશનના એવોર્ડથી નવાજવામાં આવેલ છે. તેમના પ્રેઝન્ટેશનના સાર મુજબ કપાસ પાકના વાવેતર પહેલા હળવું પિયત આપી નીંદણનો ઉગાવો થયેના 12થી 15 દિવસ બાદ ગ્લાયફોસેટ 1 કિલોગ્રામ સ.ત./હે. પ્રમાણે છંટકાવ અથવા હળવી ખેડ કરી, નીંદરના પહેલા ઉગાવાની નાશ કર્યા બાદ કપાસનું વાવેતર કરવું.

કપાસના વાવેતરના તુરંત બાદ પેન્ડીમિથેલીન 1 કિલોગ્રામ સ.ત./હે. નો છંટકાવ કરવો અને ત્યારબાદ 50 દિવસે ક્યુઝાલોફોપ ઇથાઈલ+પાયરીથાયોબેક સોડિયમ (મિશ્રણ)નો છંટકાવ કરવાથી કપાસમાં સફળ નીંદણ નિયંત્રણ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ડો. તુષાર પટેલને ભૂતકાળમાં પણ વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવા કે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વિદ્યાર્થી, ઉત્તમ લેખ, શ્રેષ્ઠ સમીક્ષક, શ્રેષ્ઠ વ્યાખ્યાતાથી નવાજવામાં આવ્યા છે, જે માટે તેઓ પરમ કૃપાળુ પરમાત્મા, પૂજ્ય દાદાજી, માતા પિતા, ગુરુજનો, પરિવાર, સ્નેહીઓ તેમજ શુભચિંતકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

ડો. તુષાર પટેલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વ્યવસાયિક તેમજ સામાજિક જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ સાથે કૃષિક્ષેત્રે નવીનતમ તજજ્ઞતાઓ વિકસિત કરી ખેડૂત આલમને પ્રદાન કરે એવી અભ્યર્થના સહ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.