નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં નવા પ્રમુખની વરણી
નવા પ્રમુખ તરીકે શબ્દસરણ તડવીની નિમણૂક કરાય
રાજપીપળા કમલમ કાર્યાલયે અભિવાદન સમારોહ યોજાયો
ભાજપના આગેવાનો-કાર્યકરોએ કર્યું નવા પ્રમુખનું સ્વાગત
સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરાય
નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં નવા પ્રમુખ તરીકે શબ્દસરણ તડવીની નિમણૂક બાદ રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે નવા પ્રમુખનું સ્વાગત અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગતરોજ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે શબ્દસરણ તડવીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દસરણ તડવીના સ્વાગત સહિત અભિવાદન સમારોહ યોજાયો હતો.
ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા નવા જિલ્લા પ્રમુખનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા જિલ્લા પ્રમુખના સ્વાગત પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે જ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના બંને વિધાનસભા વિસ્તારોમાં સંગઠનાત્મક રીતે કામગીરી આગળ વધારવા અંગે કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવ તેમજ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
