સુરતમાંથી એક એવી વિચિત્ર અને હસવું કે રડવું તે ન સમજાય તેવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ કહેશો કે “ભલું કરવા જાઓ તો ભવસાગર પાર, પણ અહીં તો ભલું કરવા જતાં પોતાનો જ ફોન ધોવાઈ ગયો!” સુરતના ભેસ્તાન વિસ્તારમાં બનેલી આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ડાયમંડ મીની પાર્કમાં ગત મધરાતે એક યુવક ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો. તે ઊંઘી રહેલા કારીગર પ્રદીપ પટેલ અને તેના મિત્રના મોબાઈલ ફોન ચોરીને ભાગવા લાગ્યો, જેથી બંને જાગી ગયા હતા. પકડાઈ જવાના ડરથી ગભરાયેલો ચોર પહેલા માળેથી નીચે કૂદ્યો, જેમાં તેના પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું અને સ્થાનિક લોકોએ તેને ઝડપી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી અને ચોરને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પરંતુ, પ્રદીપ પટેલે માનવતા દાખવી અને દયા ખાઈને પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી. એટલું જ નહીં, માનવતા ખાતર પ્રદીપ પોતાના રિસ્ક પર 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત ચોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ પણ લઈ ગયો હતો.
પરંતુ કિસ્મતની મજાક જુઓ! હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જ્યારે ચોરની સારવાર ચાલી રહી હતી, ત્યારે ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યો શખ્સ પ્રદીપનો જ મોબાઈલ ચોરી કરીને ફરાર થઈ ગયો.
બીજાની ચોરી પકડવા અને માનવતાના નાતે ભલાઈ કરવા ગયેલા પ્રદીપને અંતે પોતાનો જ કિંમતી ફોન ગુમાવવાનો વારો આવ્યો. હતાશ થઈ ગયેલો પ્રદીપ ચોરને હોસ્પિટલમાં જ લાચાર હાલતમાં મૂકીને ખાલી હાથે ઘરે પરત ફર્યો હતો. આ ઘટનાએ સાબિત કરી દીધું કે ક્યારેક વધુ પડતી ભલાઈ પણ ભારે પડી શકે છે!
