ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટર બહાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એસટી બસના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચલાવતી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાસ્થળે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એસટી બસ રોંગ સાઈડમાં ઘુસી આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
