ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગર પાલિકાઓ માટે મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓની 5 વર્ષની મુદત માર્ચ-2026 માં પૂર્ણ થતી હોવાથી, આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાની 4 પાલિકા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ માટે પણ વહીવટી સરળતા માટે નિર્ણય લેવાયો છે. સરકારના આદેશ અનુસાર, નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ-8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો નગરપાલિકાના રોજિંદા કાર્યો જેવા કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે.
જોકે, વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ કોઈપણ નીતિ વિષયક મોટા નિર્ણયો લઈ શકશે નહીં.ભરૂચ જિલ્લાની અલગ-અલગ પાલિકાઓના ક્લાસ મુજબ અંકલેશ્વર, જંબુસર અને ભરૂચ પાલિકામાં પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે આમોદ પાલિકામાં મામલતદારની વહીવટદાર તરીકે નિમણુંક કરાઈ છે.
