• શ્વાનના આતંક સામે સુપ્રીમ કોર્ટની કડકાઈ

  • SMC એ ખસીકરણ અને રસીકરણ માટે ઝોંકી તાકાત  

  • શ્વાન બાઈટના કિસ્સા વધતા પાલિકાએ શરૂ કરી વસ્તી ગણતરી

  • શ્વાન કરડવાની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટ ગંભીર

  • મહાનગરપાલિકાએ એક્શન પ્લાન કર્યો જાહેર 

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ત્યારે લોકો હવે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે. વારંવારની રજૂઆતો અને PIL બાદ, આખરે સુપ્રીમ કોર્ટે આ ઘટનાઓને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, જેને પગલે મહાનગરપાલિકા પણ હવે એક્શન મોડમાં આવી છે.

સુપ્રીમ કોર્ટ અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ-2023ની ગાઇડલાઇન મુજબ સુરત પાલિકાએ કામગીરી તેજ કરી છે. વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 58,960 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં ‘વેટ્સ સોસાયટી‘ને આ જવાબદારી સોંપાઈ છે, જેમાં 3 ડોક્ટર અને 3 સ્પેશિયલ વ્હીકલ સતત કાર્યરત છે. એટલું જ નહીં, કામગીરી પર નજર રાખવા માટે ખાસ મોનિટરિંગ કમિટી પણ દર મહિને ચેકિંગ કરે છે.

સુરત ઇતિહાસમાં પહેલીવાર રખડતા શ્વાનની વસ્તી ગણતરીની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. આ ઉપરાંત, શહેરીજનોની સુરક્ષા માટે પાલિકા સંચાલિત 74 આરોગ્ય કેન્દ્રો અને સ્મીમેર તેમજ મસ્કતી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ આગામી દિવસોમાં ABC સેન્ટરો વધારીને કડક આયોજન કરવામાં આવશે, જેથી સુરતીઓ ભયમુક્ત બની શકે.