ગત 18 જુલાઈએ વસ્ત્રાલ નજીક ભયાનક બ્લાસ્ટની ઘટના

દુર્ઘટનામાં 9 લોકોના મોત, 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભયાનક બ્લાસ્ટ મામલે રામોલ પોલીસ મથકે ગુનો નોંધાયો

આર્થિક લાભ ખાટવા ચલાવાતું હતું ગેરકાયદેસર કારખાનું

ગ્યાસપુર-નારોલમાં ધમધમતી વધુ 2 ફેક્ટરીઓ ઝડપાઈ

અમદાવાદના વસ્ત્રાલ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના મોત અને 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં કંપની સંચાલકો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ, ગ્યાસપુર અને નારોલમાં ધમધમતી વધુ 2 ગેરકાદેસર ફેક્ટરીઓ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’માં ગત તા. 18 જુલાઈના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે કંપની સંચાલકો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’ના સંચાલકો દ્વારા કોઈપણ પાસ-પરમિટ વગર આર્થિક લાભ ખાટવા માટે ગુનાહિત કાવતરું રચીને આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આરોપીઓ વસ્ત્રાલવાળી જગ્યા ભાડે રાખીને પાસ-પરમિટ વગર ગેરકાયદે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. આ બ્લાસ્ટ મામલે નોંઘાયેલી ફરિયાદમાં મેહુલ ડોડીયા, તેમની માતા અને કારખાનાના સંચાલક રમીલા ડોડીયા તેમજ કારખાનાના ભાગીદાર સાદીક સૈયદનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે, ત્યારે હાલ તો રામોલ પોલીસે કાયદાનો સિંકોજો કસતા આરોપીઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ગેરકાયદેસર ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી દુર્ઘટના બાદ ગત મોડી રાતે પોલીસ તંત્ર જાગ્યું હતું. જેમાં ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં ખેતરમાં ધમધમતી ફટાકડાની 2 ફેક્ટરીઓ ઝડપાઈ હતી. તંત્રએ મોડી રાતે જથ્થો જપ્ત કરી ગ્યાસપુર ગામમાં કિંગ્સ ફાયર વર્કસ ફેક્ટરી અને નારોલ વિસ્તારમાં ગુલાબ પ્લોટમાં ચાલતી ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.