ગુજરાતમાં બોગસ બિલિંગથી કરોડો રૂપિયાની કરચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનાર ભાવનાગરના માસ્ટર માઇન્ડ મોહમદ ટાટાની અટકાયત સાથે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યના જીએસટી વિભાગને ઘણા સમયથી આશંકા હતી કે, રાજયમાં અલગ અલગ કંપનીઓ બનાવી અને બીજાના ડોક્યુમેન્ટ્સના ઉપયોગ કરી કરોડોની કરચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે વિભાગે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જુલાઇ મહિનામાં અને તેની આસપાસ જીએસટી વિભાગે ભાવનગર અને સૌરાષ્ટ્રમાં દરોડા પાડી અનેક દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા હતા. આ તમામ દસ્તાવેજ અને પેપર ચકાસતા વિભાગને માલૂમ પડ્યું કે, આ પાછળ માસ્ટર માઇન્ડ મોહમદ ટાટા નામનો વ્યક્તિ છે. જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર, 2017-18થી આ કૌભાંડ ચાલતું હતું, અને માલની હેરફેર વિના બિલ ઇશ્યૂ કરવામાં આવતા હતા. બોગસ કંપનીઓના નાણાં બેન્કોમાં જમા કરવામાં આવતા હતા. ત્યાંથી ચેનલાઈજ કરી રોકડામાં નાણાં ઉપાડવામાં આવતા હતા. મોહમદ ટાટા ગરીબો પાસેથી તેમના ડોક્યુમેન્ટ્સ લઈ તેનો ઉપયોગ કરતો હતો. જીએસટી વિભાગ આરોપીને પકડી પાડવા સતત પ્રયાસ કરી રહ્યું હતું. આરોપી વિરુદ્ધ સરકયુલર નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, અને વારંવાર સમન્સ પણ મોકલાવમાં આવ્યા હતા. પરંતુ જીએસટી વિભાગે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદથી મોહમદ ટાટાને ઝડપી પાડ્યો હતો. માનવામાં આવે છે કે, આ કૌભાંડમાં મોટો આંકડો બહાર આવશે. આ કૌભાંડમાંથી GST વિભાગે 60 કરોડની રિકવરી કરી છે. અને અત્યારસુધીમાં કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
