અમદાવાદની ચિલોડા પોલીસે બે પિસ્તોલ, નવ જીવતા કારતુસ અને ચાર મેગેઝીન સાથે બે ખુંખાર આરોપીઓને ઝડપી પાડયાં છે. વાંકાનેરની વાલીયાની દરગાહ સામે રહેતાં ગુનેગાર રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવને ઉત્તરપ્રદેશથી અન્ય એક આરોપી હથિયારોનો જથ્થો આપવા માટે આવ્યો હતો.

ગાંધીનગરના રેન્જ આઇજી અભય ચુડાસમા, એસપી મયુર ચાવડાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે. ચિલોડાના પીઆઇ તરલ ભટ્ટ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ચિલોડા સર્કલ પાસે હથિયારોની હેરાફેરીની બાતમી મળી હતી. પોલીસની ટીમે વોચ ગોઠવીને ઉત્તરપ્રદેશના ગાલીયાપોરના રહેવાસી ધર્મેન્દ્ર યાદવ અને હથિયારો લેવા આવેલાં વાંકાનેરના રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવને ઝડપી લીધાં હતાં.

બંને આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, નવ જીવતા કારતુસ અને ચાર મેગેઝીન મળી આવ્યાં હતાં. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી રાજુ ઉર્ફે ડીમ્પલ ખુબ જ ખુંખાર અને ઝનુની સ્વભાવ ધરાવે છે. તે અગાઉ રાજકોટના આગેવાન સાથે ઝગડા તથા મારામારીના કેસમાં પણ સંડોવાયેલો હતો. આરોપી ધાક અને ધમકીથી રાજકોટ પંથકમાં પોતાનું સામ્રાજય ઉભું કરવા માંગે છે. આરોપી રાજકોટ જિલ્લાના 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ગેરકાયદે હથિયારો રાખવા, દારૂનું વેચાણ કરવું તથા ખુનની કોશિશના ગુનાઓ નોંધાયેલાં છે. હાલ તો ચિલોડા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હથિયારો કયાં ઇરાદે મંગાવવામાં આવ્યાં હતાં સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ આદરી છે.