/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14162218/maxresdefault-107-80.jpg)
અમદાવાદમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને શહેરમાં છેલ્લા 48 કલાકમાં બાળકીઓ અને કિશોરીઓની છેડતીની 6 ઘટના બની છે. દાણીલીમડામાં, શહેરકોટડા, પાલડી અને કૃષ્ણનગરમાં બાળકી અને કિશોરી સાથે છેડતી તથા અડપલાં કરાયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે શહેરના ચાંદેખેડામાં તો એક આઘેડ મહિલાનો વિડિઓ ઉતારતા પકડાઈ ગયો ત્યારબાદ તેની પીટાઈ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં પોલીસનો ખોફ ના રહ્યો હોઈ તેમ હવે આવા અપરાધિક તત્વો બેફામ બન્યા છે. શહેરમાં બહેન અને દીકરીઓ અસલામતી અનુભવી રહયા છે. પાલડીના એક એપાર્ટમેન્ટમાં રહેતી 7 વર્ષની બાળકી પાર્કિંગમાં રમતી હતી ત્યારે ઘરકામ કરવા આવતા 17 વર્ષના કિશોરે બાળકીને પાછળથી પકડીને બાથમાં ભીડી અડપલાં કર્યાં હતાં. આ અંગે બાળકીએ માતાને જણાવતાં માતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરની અટકાયત કરી છે. અમદાવાદના ઠક્કરબાપાનગરમાં રહેતી એક યુવતીનો એક યુવક 20 દિવસથી પીછો કરી રહ્યો હતો. હદ તો ત્યારે થઈ કે તે યુવતીના ઘરે પહોંચી ગયો અને તેના પિતાને કહી દીધું કે હું તમારી દીકરીને પ્રેમ કરું છું. તમારાથી થાય તે કરી લેજો. યુવતીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના બાદ અમદાવાદ કૃષ્નનગર પોલીસે તપાસ હાથ ધરી છે
બીજી તરફ શહેરકોટડામાં રહેતી 7 વર્ષની બાળકી તેના ઘર નજીક રહેતા સાહીલ ભદોરિયા નામના યુવકના ઘરે રમવા જતી હતી ત્યારે સાહીલે અડપલાં કરતા બાળકીએ તે અંગે માતાને જાણ કરી હતી. બાળકીની માતાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાહીલની ધરપકડ કરી છે. તો શહેરના મેમ્કોમાં રહેતી એક સગીરાની 5 છોકરાઓએ જાહેરમાં છેડતી કરી હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસમાં નોંધાઈ છે.ઉપરાંત દાણીલીમડામાં 7 વર્ષની 2 સગીરા સાથે અડપલાં કરાયા અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીની ધરપકડ કરાઈ છે
શહેરમાં બીજીબાજુ કેટલીક મહિલાઓ અને યુવતીઓ હવે પોલીસના ભરોસે બેસવાને બદલે પોતાનું રક્ષણ પોતે કરી રહી છે. ચાંદખેડામાં એક યુવતીનો મોબાઈલમાં વિડિઓ ઉતારનાર આધેડની યુવતી અને તેની સાથી મિત્રોએ પીટાઈ કરી પોલીસને સોંપ્યો હતો. આ યુવતી પણ કહે છે કે, યુવતીઓ અને મહિલાઓએ પોતાનું રક્ષણ પોતાની જાતે કરવું પડશે તોજ સુરક્ષિત થશે.
શહેરમાં વધી રહેલા આપરાધીક બનાવોને કારણે વિપક્ષ કોંગ્રેસે રાજ્યમાં કાયદો વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે માત્ર અમદાવાદ નહિ રાજ્યભરમાં છેલ્લા અનેક વર્ષોમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે અને સરકારનું કોઈ નિયઁત્રણ નથી. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં મહિલાઓ સાથે અઘટિત ઘટના ઘટે છે. અમદાવાદ જેવી મેગા સિટીમાં પણ દીકરીઓ અને મહિલાઓ અસલામત છે.