વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ
અખબારનગર અને મકરબા સહિતના અંડરપાસ બંધ થયા
સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબોળ
ઠેર ઠેર પાણી ભરાતા ઓફિસ જતા અનેક લોકો અટવાયા
ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર
અમદાવાદ શહેર તથા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ઓફિસ જતા અનેક લોકો અટવાય પડ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા મહેસાણા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજરોજ અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગરોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુશળધાર વરસાદ વરસ્યો હતો, જ્યારે પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે.
વહેલી સવારથી વરસાદ વચ્ચે લોકોને નોકરી અને ધંધાના કામે જવાનું હોવાથી હાલાકી પડી હતી. અમદાવાદના ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સસીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રીંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અવિરત વરસાદના કારણે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
