અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડતો મહત્વનો જીવરાજ મહેતા બ્રિજ 3 દિવસના રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે વાહનચાલકોને વધુ 4 કિમી ફરીને જવાનો વારો આવતા તેઓ ઘણી મુશ્કેલીમાં મુકાયા છે.

આ છે અમદાવાદ શહેરનો જીવરાજ મહેતા બ્રિજ, જે જુના અને નવા અમદાવાદને જોડતો મહત્વનો બ્રિજ છે. આ બ્રિજ વર્ષો જૂનો હોવાથી તેના રિપેરિંગ કામ માટે એએમસી દ્વારા આગામી 3 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ બ્રિજ બંધ કરતા પહેલા સ્થાનીય તંત્ર દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી. બ્રિજ બંધ થતા વૈકલ્પીક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે, તેમ છતાં અનેક વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદ શહેરના પોષ વિસ્તાર શિવ રંજની, નહેરુનગર અને સેટેલાઈટ સહીત પશ્ચિમ અમદાવાદના મોટા વિસ્તારોને જીવરાજ મહેતા બ્રિજથી કનેક્ટિવિટી મળે છે. તેથી બ્રિજ બંધ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ અગાઉ પણ એએમસીએ નહેરુ બ્રિજને પણ 45 દિવસ માટે બંધ કર્યો છે. આમ શહેરના મહત્વના ગણાતા 2 બ્રિજ બંધ થતા અનેક વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.