/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/07124447/SP-01-e1620371722967.jpg)
રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે અને અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા ICU બેડથી લઈને હૉસ્પિટલમાં સારવાર લેવી મુશ્કેલ બની છે. આ સમયે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોરોના સંક્રમિત વ્યક્તિઓ અને સીનિયર સિટિઝન માટે માટે પ્રેરણારૂપ પ્રોજેક્ટ સંવાદ શરૂ કર્યો છે. તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ગ્રીન કોરિડોર બનાવી ઑક્સિજન સપ્લાય માટે મહત્ત્વની કામગીરી કરી જનતાના આશીર્વાદ મેળવ્યા હતા. હવે ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય એસ.પી.ના માર્ગદર્શનથી પ્રોજેક્ટ સંવાદ શરૂ કરાયો છે.
અમદાવાદ ગ્રામ્યમાં આ પ્રોજેક્ટ સંવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને ઘરમાં જ ક્વૉરન્ટીન થયેલા લોકોમાં એક ગભરામણ અને માનસિક ચિંતા જોવા મળી રહી છે, જેને દૂર કરવા માટે નવતર પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયો છે. સુસજ્જ પ્લાનિંગ સાથે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ સંવાદમાં ડોક્ટર, પોલીસ અને કાઉન્સેલર મહત્ત્વનો રોલ અદા કરી રહ્યા છે. એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા પ્રોજેક્ટ સંવાદમાં અત્યાર સુધીમાં 460થી વધુ ફોન કૉલ્સ પોલીસને મળ્યા છે. સફળતાપૂર્વક પોલીસ તેમને મદદ પણ પહોંચાડી ચૂકી છે અને અવિરત 24 કલાકનો આ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે
કેટલાક સીનિયર સિટિઝનો અને કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ માનસિક ચિંતાથી પીડાતા હોય છે. ત્યારે પોલીસની નાનકડી પહેલ કે જેનાથી પોલીસ ખબરઅંતર પૂછી જરૂરિયાત પૂર્ણ કરવાનું આશ્વાસન આપે છે, જે ઘણા લોકો પોતાના દુઃખને ભૂલી ખુશ થયાનો અહેસાસ કરાવે છે. સાથે જ પોલીસ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને પોલીસ દવા અને ભોજનની મદદ પણ પહોંચાડે છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ માટે અલાયદી વ્યવસ્થા એસપી ઓફિસ ખાતે જ ગોઠવી છે. અહીં દર્દીઓની પરિસ્થિતિની ચિંતા કરવાની સાથે સાથે અન્ય કોઈ ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો નજીકના પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આ મેસેજ આપવામાં આવે છે અને શક્ય તેટલી તમામ મદદ કરીને પોલીસ આવા કપરા સમયે જનતાના આશીર્વાદ મેળવી રહી છે.
કોરોના મહામારીમાં પરિવારના સભ્યો દૂર રહેવાનું પસંદ કરે છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ માનવતાભરી પહેલ બિરદાવવા લાયક છે. જ્યારે સીનિયર સિટિઝનો પણ આ કાર્યથી પોલીસને મિત્ર સમજી મુશ્કેલીના સમયમાં મદદરૂપ થતા પોલીસ પણ આશીર્વાદની કમાણી કરી રહી છે. આમ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક નવતર અભિગમથી અનેક લોકો માનસિક તણાવમાંથી બહાર આવી રહ્યા છે.